મીઠા મધુરા ટહુકા કરી બાળથી ગમ્મત કરે માં,
હસતાં રમતાં કોળિયો આપી કેટલુંય શીખડાવે માં,
શિક્ષા, દીક્ષા, સંસ્કારથી સજ્જ કરવા લક્ષ્ય રાખે માં,
બીજા કોઈની તોલે ના આવે એવી અણમોલ માં,
તીક્ષ્ણ વેદના વેઠી મુખપર સ્મિત લહેરાવે માં,
વ્હાલનું ઝરણું સતત વહેતું રાખે તેવી વ્હાલી માં,
મોંઘવારી કેરા તાપને મહેનતથી ઝીલી સૌને છાંયડો આપે માં,
આત્મવિશ્વાસ, આશ્વાસન આપી બાળનું મન પ્રબળ કરે માં,
બાળ જ્યારે પુખ્ત વયનું થાય મૌન ધારણ કરે માં,
જગની માહિતી બાળ પાસે જાણવા ઉત્સુક બને માં,
પ્રકાશની પુંજ રેલમછેલ થાય જો ઘરમાં હોય માં,
કૃપાનિધાન કૃપા વરસાવે બાળ પર જ્યારે અંતરથી ઠરે માં,
માં તે માં, વાત્સલ્ય મૂર્તિ માં...❤
- ફોરમ શાહ
No comments :
Post a Comment